ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ને કરમુક્ત જાહેર કરાઈ

ગુજરાતમાં 2002ની ગોધરા ટ્રેનકાંડ આધારિત હિન્દી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાત રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ટેક્સફ્રી જાહેર કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. ભૂપેન્દ્ર પટેલ સાથે જિતેન્દ્ર અને એકતા કપૂર પણ સિટીગોલ્ડ ખાતે હાજર રહ્યાં હતા. હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. આ પછી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મને ટેક્સ ફ્રિ કરવાનું એલાન કર્યું હતુ.

આ ફિલ્મ 2002માં ગોધરાકાંડની ઘટનાઓ આધારિત છે. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને ગોધકાંડ પછી ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતા. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગ ચાંપવામાં આવતાં 59 લોકો, જેમાં મોટાભાગે કાર સેવકો હતા, માર્યા ગયા હતા, જેના કારણે ગુજરાતમાં વ્યાપક તોફાનો ફાટી નીકળ્યા હતાં.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગૃહ પ્રધાન અમિત શાહે વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા હતાં. મોદીએ તેમણે જણાવ્યું હતું કે સત્ય બહાર આવી રહ્યું છે, જેને સામાન્ય લોકો જોઈ શકશે.
વડાપ્રધાન મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ જોવા માટે ચાર પોઇન્ટ્સ આપ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મ સત્યનો હિંમતભર્યો ખુલાસો કરે છે.

શુક્રવારે રીલિઝ થયેલા આ ફિલ્મ પ્રથમ વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર આશરે રૂ.8 કરોડની કમાણી કરી હતી. પ્રોડક્શન બેનર બાલાજી મોશન પિક્ચર્સે તેના X હેન્ડલ પર ફિલ્મનું ત્રણ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન શેર કર્યું હતું. ધ સાબરમતી રિપોર્ટએ શુક્રવારે રૂ.1.69 કરોડની કમાણી કરી હતી તથા શનિવાર અને રવિવારે અનુક્રમે રૂ.2.62 કરોડ અને રૂ.3.74 કરોડ એકત્ર કર્યા હતા.આ ફિલ્મમાં રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *